RSS Feed

Author Archives: કાજલ કાપડિઆ

પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે…
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે…

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
ચાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે…

– અનિલ જોષી via http://rdgujarati.wordpress.com/2006/06/01/pelo-varsaad/

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત via http://layastaro.com/?p=6215